સફળતા કોને ન ગમે? આજે દરેક વ્યક્તિ સફળ થવા પ્રયત્નો કરે છે. સફળ થવા પુરુષાર્થ જરૂરી છે એ આપણે જાણીએ છીએ. ઘણા મહેનત કરે છતાં સફળ ન થાય તેવું પણ આપણે જોઈએ છીએ. કારણકે મોટા ભાગના લોકો તો કોઈ પણ ધ્યેય વગર જ મહેનત કરે છે.ધ્યેય વગરની દરેક બાબત મનુષ્યની સ્થિતિને તોફાની સાગરમા હિલોળા લેતી નૌકા જેવી કરી મુકે છે. જે ગદ્ધાવૈતરું બની રહે છે.માટે જ ધ્યેય રાખી આગળ વધવું જોઈએ. ધ્યેય ત્યારે જ સ્થાપી શકાય જયારે આંખોમાં સપના હોય, તીવ્ર ઇચ્છાશક્તિ હોય કારણકે ઇચ્છાશક્તિ જ મહેનત માટેનું ઈંધણ બની શક્શે. જોર્જ શીહન કહે છે “ તમે જેવું બનવા માગો છો તેવું બનવાની ઇચ્છાશક્તિ, ધગશ અને જુસ્સો હોય તે તમારા માટે અડધી સફળતા છે”. માટે જ તો કહેવાય છે “મન હોય તો માળવે જવાય.” દિલ એ જોયેલા સપના દિમાગ ના ઉપયોગ થકી પુરા કરી કરી શકાય. સાચે જ ખુલ્લી આંખે સપના જોનાર જ તેને પુરા કરવા પોતે મહેનત કરી શકે.
મહેનત એટલે એકધારું એક ચોક્કસ દિશામાં બુદ્ધિ અને કુશળતાપૂર્વકનું કામ. આગવી ઓળખ પુરવાર કરવા પુરુષાર્થ કરવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાની જાત પર શ્રધ્ધા રાખી કરવામા આવતું કાર્ય. લઘુતાગ્રંથી રાખ્યા વગર હકારાત્મક અભિગમ સાથે સતત એક જ કાર્ય કરતા રહેવુ. જે લોકો માને છે કે નસીબમાં હશે તો કીર્તિ, ધન, સફળતા મળશે તેવો ક્યારેય સફળ થઇ શકતા નથી.પાણીનો પ્રવાહ અને મજબૂત મનોબળવાળા માણસ પોતાનો રસ્તો બનાવી જ લે છે. હકીકતમાં આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ. નસીબ તો તક આપતું જ રહે છે. જ્યારે આશાવાદી વલણ હશે તો પુરુષાર્થ થકી પ્રારબ્ધ ને જગાડી શકાય. પર્વતમાથી નીકળતી નદી એ આજ સુધી રસ્તામા રોકાઈને ક્યારેય નથી પૂછ્યું કે ‘એ ભાઇ દરિયો હજી કેટલો દૂર છે” એ તો વહેતી જ રહે છે પોતાની મંઝિલે પહોચવા. માટે જ ધ્યેય રાખી મહેનત કરતા રહી આગળ વધવું જોઈએ.
ધ્યેય એટલે એવો અટલ નિશ્ચય કે જે ગમે તેવી મુશ્કેલીઓ અને વિષમતાઓ કે પ્રલોભનોમાં પણ માનવીને પોતાનું કાર્ય પૂરું કરવા માટે મક્કમ રહેવાનું બળ આપે. ધ્યેય એટલે મંઝિલ, લક્ષ્ય. એક ચોક્ક્સ સ્થાન કે પદ પર પહોચવુ.
ધ્યેય સ્થાપવા સાથે જ આયોજન કરવું જરુરી છે. વળી સમય નો વેડફાટ ન થાય તે માટે સજાગ રહેવુ. હાલ સોશ્યલ મીડિયા પાછળ સમય અને શક્તિ નો બગાડ થતો જોવા મળે છે. દરેક માણસ મા ખૂબીઓ અને ખામીઓ હોય જ છે માટે પોતાની ખામીઓ ને જાણીને એ મુજબ ધ્યેય સ્થાપવુ. શક્ય ખામીઓને દુર કરવાના પ્રયત્નો કરવા. કારણકે કોશિશ કરવા વાળા ક્યારેય હારતા નથી. જે માટે એ વાક્ય ને જ જિવન મંત્ર બનાવી લો.
Success is my Aim, challenge is my game. Risk is my passion, perfection is my habit, smart work is my occupation because I am born to win.
આવો જોશ અને જુસ્સો હોય તો ધ્યેય આંબી ને સફળતા પ્રાપ્ત થાય જ.
ચોક્કસ ધ્યેય ને ( AIM ) પાર પાડવા: Attention – એકાગ્રતા, Interest – કાર્યમાં રસ, Master – પારંગત બનો.
ધ્યેયને પ્રાપ્ત કરવા સૌ પ્રથમ જરૂરી છે એકાગ્રતા. મનની એકાગ્રતા એટલે ઈચ્છા શક્તિને વધારે સુદ્રઢ બનાવવાની કેળવણી. એક જ કાર્યમા પુરુ મન લગાવી દઈ કરાતુ કાર્ય તે એકાગ્રતા. ભૂતકાળ ના અનુભવો માથી શીખતા જઈ ને આયોજન દ્વારા આગળ વધતા રહેવુ. માનવી પ્રકૃતિને જિતવા જન્મ્યો છે. જ્યાં સુધી પોતાનામાં શ્રદ્ધા ન રાખો ત્યાં સુધી ઈશ્વરમાં પણ શ્રદ્ધા ન ધરાવી શકો. પોતાની શક્તિઓને ઓળખીને તે પ્રમાણે મહેનત કરવાની છે. જાત સિવાય બીજો મદદગાર બીજા નંબરે આવે તે યાદ રાખવું. આત્મવિશ્વાસી માણસ જ ધાર્યા કાર્યો પાર પાડી શકે. માટે ખુદમાં રહેલી મર્યાદા અને અવગુણને સ્વીકારી જાતને અનુરૂપ ધ્યેય રાખી સફળતાની સીડી ચડવાનું શરુ કરવું. આ પગલાથી આપણી સાથે જોડાયેલા તમામ લોકો પણ મદદ કરશે. એક ચોક્ક્સ ધ્યેય રાખવું કારણકે બધી બાબતોમા થોડુ થોડું ધ્યાન આપવાથી પારંગત એક પણ મા નહીં થવાય. જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો કોઇ એક જ ધ્યેય પર વધુ ધ્યાન આપો બાકીની બાબતોને શોખ ગણી કરો અને આનંદ મેળવો.આ રીતે ધ્યેય અને શોખ ની સંગત સફળતા અપાવશે. વળી, નિષ્ફળતા નો અનુભવ થાય તો નવા ઉત્સાહ સાથે આગળ વધવુ. એડ્વીન બ્લિસ નુ વાક્ય યાદ રાખવા જેવુ છે – “ Success doesn’t mean the absence of failures. It means winning a war not every battle.” આવા વિચારક અને અન્ય મહાનુભાવો ના ક્વોટ્સ નોટ્બુક માં કે દીવાલ પર લગાડવા જે રોજ આંખ સામે આવવાથી પ્રેરણા મળતી રહેશે.
બીજી જરૂરી બાબત છે interest. મતલબ કોઈ પણ કાર્ય કે જે તમે શરુ કર્યું હોય તેમાં રસ લો. તેને આંનદથી કરો. જેથી કાર્ય કરતા કરતા તમે શીખતા જશો અને સમય જતા સફળતા હાંસલ કરી શકશો. કહેવાય છે ને Practice makes man perfect. પરંતુ ધ્યેયને પ્રાપ્ત કરવાની પણ સમય મર્યાદા તો રાખવી જ. એટલેકે કાર્ય પદ્ધતિ સાથે ઝડપ ધ્યાનમાં લેવી. નહીતો વર્ષો સુધી તેની પાછળ પડ્યા રહેવાથી બીજું ઘણું બધું ગુમાવી શકાય. ત્રીજી મહત્વની બાબત Master એટલે કે પારંગત બનો. હંમેશા યાદ રાખો કે તંદુરસ્ત હરીફાઈ એ વિકાસની ચાવી છે. તમારા હરીફથી આગળ નીકળવા સાચી દિશામાં પ્રયત્ન કરવા. કોઇ પણ ઈર્ષા કે અપ્રામાણીક્તા રાખ્યા વગર જ કાર્ય કરવુ. તેમા સફળતા મળે ત્યારબાદ પણ અટક્યા વગર કાર્ય કરતા રહેવાનું છે. Sky is the limit. સુત્રને ધ્યાનમાં રાખી જાત સાથે હરીફાઈ કરવાની છે. મતલબ વર્તમાન સ્થિતિને કાલ્પનિક ભાવિ સ્થિતિ સાથે સરખાવવ. એ કાર્યમાં પુરેપુરા પારંગત બનવાનું છે. જે માટે તમામ શક્તિઓ અને આવડ્ત છે તેને આકર્ષણોથી બચાવવી. આ બધું કરતા વખતે અહમ-અભિમાન ન રાખવા. સહાધ્યાયી ઓ સાથે મિત્રતા રાખવી. નાના કે મોટા ભાઈ બહેન સાથે પોતે જ હોશિયાર અને સફળ છે તેવું કહેતા રહી તોછડાઇ ન કરવી. વડીલો સાથે પણ નમ્રતાથી વર્તવું. પોતાની આવડ્ત અને સફળતા થી છકી જઈ ગુસ્સો,દંભ ન કરવા. તે જ રીતે અન્ય નુ નુકસાન કરી ને કે નીચા પાડીને કે દગો દઈને સફળ બનવા પ્રયત્નો તો ક્યારેય ન કરવા. તે સન્માન ને હાની પહોચાડી શકે છે. સમય જતા આત્મા પણ ડંખશે. થોડું જોખમ ઉઠાવી દરેક તકનો ઉપયોગ કરતા રહી નવી સૃષ્ટિનુ સર્જન કરવા હમેશ તૈયાર રહો.
આ જ રીતે સફળતાના સોપાન ચડતા ચડતા શિખરે પહોચી શકાય. સ્વામિ વિવેકાનંદજીનું એક સરસ વાક્ય “ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” યાદ રાખી પુરુષાર્થ કરતા રહો. નિષ્ફળતા માં જ સફળતા છૂપાયેલી છે માટે નિષ્ફળ બનો ત્યારે નાસીપાસ ન થવુ પણ વધારે મહેનત કરવી. નકારાત્મક વલણ રાખ્યા વગર સમય અને આવડત નો ઉપયોગ કરવો. ઘણી વાર અમુક આક્ષેપો નો સામનો પણ કરવો પડે કે તેઓ જિદ્દિ છે અથવા ધાર્યું કરનારા છે. પરંતુ અન્ય ને હાનિ પહોચાડ્યા વગર પ્રામાણિક્તા થી સ્પષ્ટ ધ્યેય રાખી કાર્ય કરતા રહેવામા આવે તો કીર્તિ, માન સન્માન અને પદ પૈસો પણ પામી શકાય. સફળ થવાની ઉતાવળમા તન અને મન ની શાંતિ હણાય ન જાય એ પણ ધ્યાન રાખવું. સામાજિક અને કૌટુમ્બિક સંબંધો ને જાળવવા. બાકી એટલું જ યાદ રાખો કે you will never get sweet success without sweat. માટે જ ટુંકાગાળામાં ખરાબ કાર્યો કરી સફળ થવાના પ્રયત્નો કયારેય ન કરવા. દરેક વ્યક્તિની પ્રગતિ થકી જ સમગ્ર દેશની પ્રગતિ શક્ય બને છે.
Jasminchandra Desai – +91-9428349812
Rajkot, Gujarat, India.