આપણા શરીરનું મહત્વનું અંગ તે આંખ. આંખ વડે જ મગજ એ આપેલા સંદેશ મુજબ નિહાળી શકાય છે. પ્રજ્ઞાચક્ષુઓની કેટલી બધી મુશ્કેલીઓ હોય છે તેનો વિચાર કરતા પણ આપણું હૃદય દ્રવી ઉઠે.
આંખ રંગોને પારખે, દ્રષ્યને પારખે છે. આપણી સમક્ષ રહેલ પર્યાવરણને પણ જોઈ –નીરખી શકે છે. આથી આંખની સંભાળ ઘણી મહત્વની છે. જેની આંખ નબળી હોય તેને અલગ અલગ નંબરના ચશ્માં પહેરવા પડે છે.
આંખ વિષે અન્ય રીતે વિચારીએ તો આંખ જોવાનું કામ કરે છે. પરંતુ જોવું અને નિહાળવું એ બંનેમાં તફાવત છે. આપણે રોજબરોજ ઘણું જોતા હોઈએ છીએ પરંતુ નિહાળવાની પ્રક્રિયા ખાસ ધ્યાનથી જોવાની સ્થિતિ છે. દા.ત. આપણે આપણા દીવાનખાનામાં ઘણી વસ્તુઓ રાખી હોય તે રોજો આપણે જોતા તો હોઈએ પરંતુ એ કેવી છે કે તેનો રંગ તેના વિષે કોઈ પૂછે તો કહી શકતા નથી કારણકે આપણે તેને નિહાળતા નથી. એવી જ બાબત નજરની છે. આપણી નજર સામાન્ય છે કે પારખી એટલે કે આપની સમક્ષ આવેલી બાબતને આપણે પીછાણી – સમજી શકીએ છીએ કે નહિ. નજર તીખી છે કે સામાન્ય કેમકે જે બાબતમાં આપણે તેના મૂળ સુધી પહોચીને તેનું મહા-વિશ્લેષણ કરીએ તેને તીખી નજર કહી શકાય. તો વળી માણસ સારી નજરનો ખરાબ નજરનો હોય છે. જે તેના ચારિત્ર્યની દ્રષ્ટિએ મુલવણી હોય છે. આ વિષે કંઈ વિશેષ ચર્ચા ન કરીએ.
આંખ એ હૃદયની ભાષાને વાચા આપે છે. આપણા મનોભાવ આંખમાં ઉભરી આવતા હોય છે તો જયારે મન કચવાય- દુઃખી થાય ત્યારે આંખ રડી પડે છે. એ જ રીતે હૃદયમાં બહુ હર્ષ ઉભરાઈ જાય ત્યારે પણ આંખમાંથી અશ્રુ સરી પડે છે. વળી આંખ નિરાળી, નખરાળી છે. શરીરની અને આત્મા ની આંખ બંને અલગ છે. સાહિત્યમાં આંખ વિશેના કેટલાક રૂઢીપ્રયોગો પણ છે તેના વિષે જાણીએ.
આંખ કાઢવી : ગુસ્સે થવું કે સામી વ્યક્તિને “સાવધ’ કરવી.
આંખે થવું : કોઈની બાબતે નારાજગી વહોરી લેવી
આંખ મળવી : બે વ્યક્તિ વચ્ચે પ્રેમ થવો
આંખના કણાની જેમ ખૂચવું : કોઈને આપણે બિલકુલ ન ગમતા હોઈએ
આંખ લાગી જવી : જરાક ઊંઘ આવી જવી
આંખના ઈશારે નાચવું : અન્યનું કહ્યું જાણ્યા સમજ્યા વગર માનતા રહેવુ.
આંખ ફેરવી લેવી : સંબંધ કાપી નાખવો
આંખે અંધારા આવવા : કોઈ બાબતે ખૂબ જ મૂંઝાઈ જવું
આંખો-આંખોમાં વાત કરવી : બોલ્યા વગર જ મનોભાવ રજૂ કરવા
આંખની શરમ રાખવી : કોઈ બાબતે ઓળખાણ વચ્ચે આવવી
આંખ આડે કાન ધરવા : ધ્યાન ન આપવું
આંખોમાં ઝાંખવું : અન્યના મનની વાત જાણવાનો પ્રયત્ન કરવો
આંખમાં વસી જવું : દ્રશ્ય, વસ્તુ કે વ્યક્તિ ગમી જવી
આંખનું કાજળ ગાલે ઘસવું : સાચું સમજ્યા વગર અપનાવ્યા કરવું
આંખમાં પાણી આવી જવા : દુઃખ કે હર્ષ ને કારણે રડવું આવવું
આંખમાં તેજ આવી જવું : ગમતી વ્યક્તિ કે વસ્તુ જોઇને આનંદિત બનવું
આંખની ભાષા વાંચવી : મૌન સમજી જવું
આંખમાં ધૂળ નાખવી : અન્યને છેતરવું
આંખમાં ખુન્નસ ભરવું : અતિશય ગુસ્સામાં ગુનાહિત લાગણી ઉપજવી
આંખ ઠરવી : કોઈને જોઇને સંતોષ થવો, શાંતિ થવી
આંખ લાલ કરવી : ગુસ્સે થવું
આંખથી દુર જવું : બહારગામ જવું
નવા વર્ષમાં આંખનું મહત્વ તો સમજીએ છીએ હવે તેને સ્વીકારીને ચક્ષુદાન કરવાનો સંકલ્પ લઇ અન્ય ની ‘આંખ” બની એક સદકાર્ય કરીએ.